સાવિત્રીબાઈ ફુલે
સમાજસુધારો- એ શબ્દપ્રયોગ બહુ છેતરામણો છે. ગુજરાત-મહારાષ્ટ્રમાં ઘણા સમાજસુધારકો થઇ ગયા, એવું નાનપણથી પાઠ્યપુસ્તકોમાં ભણાવવામાં આવે છે. પરંતુ રાજ્યશાસ્ત્ર-સમાજશાસ્ત્રના અભ્યાસી ઘનશ્યામ શાહ કહે છે તેમ, ઘણા સુધારકોની સુધારાપ્રવૃત્તિ પોતાના ‘સમાજ’ - એટલે કે જ્ઞાતિ અથવા ઉજળિયાત જ્ઞાતિઓ- પૂરતી મર્યાદિત હતી. દસ ધોરણ સુધી સમાજશાસ્ત્ર ભણેલો કોઇ પણ વિદ્યાર્થી વિધવાવિવાહની તરફેણને સૌથી મોટો સમાજસુધારો માનતો હોય તો નવાઇ નહીં, પરંતુ હકીકત એ છે કે સમાજના ઉજળિયાત વર્ગને બાદ કરતાં વ્યાપક સમાજમાં વિધવા સ્ત્રીનું પુનઃલગ્ન ઘોર સામાજિક અપરાધ ગણાતું ન હતું. આ પ્રકારની માનસિકતાને કારણે બન્યું એવું કે ઉજળિયાત સમાજમાં સુધારા માટે અવાજ ઉઠાવનારા પાઠ્યપુસ્તકોમાં સ્થાન પામ્યા અને સમાજના અસ્પૃશ્ય-શુદ્ર વર્ગોના હક માટે કે ઉજળિયાતો દ્વારા તેમની પ્રત્યે રખાતા ભેદભાવ સામે લડનારા સુધારકો ફક્ત ‘દલિત ચળવળના મહાનુભાવો’ તરીકે મુખ્ય ધારાથી બાજુ પર ધકેલાઇ ગયા. ગુજરાતમાં કેવળ અભ્યાસનું વાંચીને ગ્રેજ્યુએટ-પોસ્ટ ગ્રેજ્યુએટ કે ભલું હોય તો પીએચ.ડી. થઇ જનારામાંથી એવા ઘણા નીકળશે, જેમના વિશ્વમાં જોતિબા ફુલે-સાવિત્...